નવી દિલ્હી: ફોર્બ્સે 1 સપ્ટેમ્બર, 2026ના રોજ વિશ્વના સૌથી ધનિક 10 લોકોની નવી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલોન મસ્ક ફરી પ્રથમ ક્રમે રહ્યા છે. તેમની કુલ સંપત્તિ 892 બિલિયન ડોલર પર પહોંચી છે.
ઓગસ્ટ દરમિયાન સ્પેસએક્સના શેરમાં 33 ટકા અને ટેસ્લાના શેરમાં 18 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જેના પગલે મસ્કની સંપત્તિમાં માત્ર એક મહિનામાં 202 બિલિયન ડોલરનો વધારો થયો છે.
લેરી પેજ બીજા ક્રમે
ગૂગલના સહ-સ્થાપક લેરી પેજને ઓગસ્ટમાં 15 બિલિયન ડોલરનું નુકસાન થયું હોવા છતાં તેઓ 277 બિલિયન ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમે છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ 268 બિલિયન ડોલર સાથે ત્રીજા અને ગૂગલના સહ-સ્થાપક સેર્ગેઈ બ્રિન 256 બિલિયન ડોલર સાથે ચોથા ક્રમે છે.
માઈકલ ડેલ 241 બિલિયન ડોલર સાથે પાંચમા અને માર્ક ઝકરબર્ગ 197 બિલિયન ડોલર સાથે છઠ્ઠા ક્રમે છે. ત્યારબાદ લેરી એલિસન 193 બિલિયન ડોલર સાથે સાતમા અને જેન્સન હુઆંગ 191 બિલિયન ડોલર સાથે આઠમા ક્રમે છે.
ટોપ-10માં નવા ફેરફાર
ટોપ-10માં આ વખતે બે મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યા છે. માઇક્રોસોફ્ટના ભૂતપૂર્વ CEO સ્ટીવ બાલ્મર 155 બિલિયન ડોલરની સંપત્તિ સાથે નવમા ક્રમે આવ્યા છે. જ્યારે ઝારાની પેરન્ટ કંપનીના સહ-સ્થાપક અમાનસિઓ ઓર્ટેગા 148 બિલિયન ડોલર સાથે દસમા ક્રમે પહોંચ્યા છે. તેમણે બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી ટોપ-10માં સ્થાન મેળવ્યું છે.








