મુંબઈ: લોકપ્રિય વેબ સિરીઝ પરથી બનેલી ફિલ્મ ‘મિર્ઝાપુર ધ મુવી’ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દુ સ્ટારર આ ફિલ્મે રિલીઝના માત્ર ચાર દિવસમાં ભારતમાં રૂ. 100 કરોડનો આંકડો પાર કર્યો હતો.
મંગળવારે પાંચમા દિવસે પણ ફિલ્મે મજબૂત કમાણી જાળવી રાખી હતી. ટ્રેડ વેબસાઇટ સેકનિલ્કના આંકડા અનુસાર, પાંચમા દિવસે ફિલ્મે ભારતમાં રૂ. 15.85 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. આ સાથે ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન રૂ. 125.60 કરોડ પર પહોંચી ગયું છે.
ઓવરસીઝમાં પણ ફિલ્મનો જાદુ
વિદેશી બજારમાં પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પાંચમા દિવસે ઓવરસીઝમાંથી આશરે રૂ. 3.50 કરોડની કમાણી થતાં ફિલ્મનું ઓવરસીઝ ગ્રોસ કલેક્શન રૂ. 27 કરોડ સુધી પહોંચી ગયું છે. આ સાથે ફિલ્મનું વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન રૂ. 176.97 કરોડ, એટલે કે લગભગ રૂ. 180 કરોડ થઈ ગયું છે.
ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી જેવા હિન્દીભાષી વિસ્તારોમાં ફિલ્મને પ્રેક્ષકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેડ નિષ્ણાતોના અંદાજ કરતાં ફિલ્મનું ઓપનિંગ અને ત્યારબાદનું કલેક્શન વધુ મજબૂત રહ્યું છે.
સત્તાની લડાઈની કહાની
ફિલ્મની વાર્તા 2018ના સમયગાળામાં સેટ કરવામાં આવી છે. તેમાં સિરીઝની પહેલી સીઝનના કેટલાક ન કહેવાયેલા પ્રસંગો અને કાલિન ભૈયા તથા ગુડ્ડુ પંડિત વચ્ચેની સત્તાની લડાઈને મોટા પડદા પર રજૂ કરવામાં આવી છે.
ફિલ્મમાં પંકજ ત્રિપાઠી કાલિન ભૈયા, અલી ફઝલ ગુડ્ડુ અને દિવ્યેન્દુ મુન્ના ભૈયાના પાત્રમાં જોવા મળે છે. ઉપરાંત જિતેન્દ્ર કુમાર, રવિ કિશન, રસિકા દુગ્ગલ, શ્વેતા ત્રિપાઠી, રાજેશ તૈલંગ અને અભિષેક બેનર્જી પણ મહત્વની ભૂમિકામાં છે.









