દિલ્હીમાં પાકિસ્તાન સમર્થિત કથિત જાસૂસી નેટવર્કનો પર્દાફાશ

પાકિસ્તાની હેન્ડલરોના સંપર્કમાં હોવાનું સામે આવ્યું; દિલ્હીના દંપત્તિ સહિત બે લોકોની ધરપકડ

નવી દિલ્હી: દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલની નોર્ધન રેન્જે પાકિસ્તાન સંચાલિત કથિત જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે દિલ્હીના દંપત્તિ મોહમ્મદ સાહિલ અને તેની પત્ની સમીરા સહિત બે લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી દંપત્તિ વર્ષ 2024થી સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાની જાસૂસી એજન્ટોના સંપર્કમાં હતું અને તેમને મદદ પહોંચાડતું હતું.

પ્રાથમિક તપાસમાં પોલીસને એવી માહિતી મળી હોવાનું જણાવાયું છે કે આરોપીઓ પાકિસ્તાનમાં બેઠેલા કથિત હેન્ડલરોને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડતા હતા. નેટવર્ક સાથે જોડાયેલા લોકો ભારતમાં સક્રિય સ્થાનિક સંપર્કોની મદદથી ભારતીય મોબાઇલ સિમ કાર્ડ મેળવતા હોવાનો પણ પોલીસનો આરોપ છે.

તપાસ મુજબ આ સિમ કાર્ડને કથિત રીતે દુબઈ મારફતે પાકિસ્તાન મોકલવામાં આવતા હતા. પાકિસ્તાન પહોંચ્યા બાદ ભારતીય સિમ કાર્ડનો ઉપયોગ વોટ્સએપ એકાઉન્ટ સક્રિય કરવા માટે કરવામાં આવતો હોવાની માહિતી તપાસ એજન્સીઓને મળી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરીને પાકિસ્તાની જાસૂસી ઓપરેટિવ ભારતીય નાગરિકોના સંપર્કમાં આવતા હતા. આ ઉપરાંત વિવિધ વોટ્સએપ ગ્રુપમાં પ્રવેશ મેળવીને મહત્ત્વપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો પણ આરોપ છે.

દિલ્હી પોલીસે હવે આ કથિત નેટવર્કના અન્ય સભ્યો, પાકિસ્તાની હેન્ડલરો સાથેના સંપર્કો તથા સિમ કાર્ડની સમગ્ર વ્યવસ્થા અંગે તપાસ શરૂ કરી છે. આરોપીઓ દ્વારા અત્યાર સુધી કઈ પ્રકારની માહિતી મેળવવામાં આવી હતી અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

Leave a Comment

और पढ़ें