મોરબીના સામાકાંઠે બે સ્થળે દારૂ પર પોલીસનો સપાટો, 69 બોટલ-ટીન ઝડપાયા

એક આરોપી ઝડપાયો, બીજો ફરાર; દારૂ-બીયર સહિત રૂ.8,753નો મુદ્દામાલ કબજે

મોરબી: સામાકાંઠા વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે સિટી બી ડિવિઝન પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. બંને કાર્યવાહીમાં કુલ 69 બોટલ-ટીન મળી આવ્યા હતા. પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સામાકાંઠે ગુ.હા. બોર્ડ ઋષિકેશ વિદ્યાલય પાસેથી નરેન્દ્રભાઈ વશરામભાઈ કાવર પટેલ (51), રહે. ક્રાંતિ જ્યોત એપાર્ટમેન્ટ, ઉમા ટાઉનશીપને અટકાવવામાં આવ્યો હતો. તેની તલાશી લેતા દારૂની 8 બોટલ, કિંમત રૂ.1,128નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

દરમિયાન પોલીસે સામાકાંઠે ઉમા ટાઉનશીપના પુલ પાસે અરુણોદયનગર સર્કલ સામે આવેલા ભીમસર વિસ્તારમાં પણ દરોડો પાડ્યો હતો. અહીં અજય કુંવરજીભાઈ વિકાણીના સ્થળે તપાસ કરતા બીયરના 61 ટીન, કિંમત રૂ.7,625નો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે બીયરનો જથ્થો કબજે કરી અજય વિકાણી વિરુદ્ધ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જોકે આરોપી સ્થળ પર મળી આવ્યો ન હોવાથી તેની ધરપકડ માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે.

બંને કાર્યવાહીમાં પોલીસે દારૂ-બીયરની કુલ 69 બોટલ-ટીન અને રૂ.8,753નો મુદ્દામાલ કબજે કર્યો છે.

અપહરણની યુવતી મોરબીમાંથી મળી, એમ.પી. પોલીસ બંનેને લઈ ગઈ

મધ્યપ્રદેશના પીતામયુર વિસ્તારમાંથી યુવતીનું અપહરણ થયાની ઘટના બાદ યુવતી મોરબીમાં હોવાની બાતમી મળતાં એમ.પી. પોલીસ મોરબી પહોંચી હતી. તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ દરમિયાન અપહરણ થયેલી યુવતી ગોલુ નામના શખ્સ સાથે મળી આવી હતી.

બાદમાં એમ.પી. પોલીસ દ્વારા યુવતી અને ગોલુને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મધ્યપ્રદેશ લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર મામલે એમ.પી. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વીજ શોક લાગતાં 25 વર્ષીય મહિલા હોસ્પિટલમાં

રફાળેશ્વર ગામે રહેતા **કાજલબેન દિલીપભાઈ મુછડીયા (25)**ને કામ દરમિયાન વીજ શોક લાગતાં સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બીજી ઘટનામાં મોડપર ગામે રહેતા **કાજલબેન અક્ષયભાઈ સોલંકી (27)**એ કોઈ કારણસર દવા પી લેતા તેમને સારવાર માટે આયુષ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

બંને બનાવ અંગે તાલુકા પોલીસ મથકના ગીરીશભાઈ મોરલીયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

Leave a Comment

और पढ़ें