‘નવા કેજરીવાલ’! કેન્દ્રીય મંત્રીઓના બંગલાના રિનોવેશન પાછળ એક વર્ષમાં રૂ.92 કરોડ

12 વર્ષમાં રૂ.547 કરોડથી વધુનો ખર્ચ : 2025-26માં સૌથી વધુ રૂ.92.35 કરોડ ખર્ચાયા

નવી દિલ્હીના લુટિયન્સ વિસ્તારમાં આવેલા કેન્દ્રીય મંત્રીઓના સરકારી બંગલાઓના રિનોવેશન અને જાળવણી પાછળ સરકાર દ્વારા 2025-26માં રૂ.92.35 કરોડ ખર્ચવામાં આવ્યા હોવાનું RTIથી પ્રાપ્ત માહિતીમાં સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, 2014-15થી 2025-26 સુધીના 12 વર્ષમાં કેન્દ્રીય મંત્રીઓના સત્તાવાર આવાસોની મરામત, જાળવણી અને રિનોવેશન પાછળ કુલ રૂ.547.68 કરોડ ખર્ચવામાં આવ્યા છે. આ સમયગાળામાં 2025-26નો ખર્ચ સૌથી વધુ રહ્યો છે.

એક વર્ષમાં ખર્ચમાં મોટો ઉછાળો

આંકડા મુજબ 2024-25માં મંત્રીઓના બંગલાઓ પાછળ આશરે રૂ.71.98 કરોડ ખર્ચાયા હતા. ત્યારબાદ 2025-26માં આ રકમ વધીને રૂ.92.35 કરોડ થઈ છે. એટલે કે માત્ર એક વર્ષમાં જ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.

સરકારી બંગલાઓમાંથી અનેક મકાનો અંગ્રેજોના સમયના અને દાયકાઓ જૂના છે. સમય જતાં તેમાં પાણીની સમસ્યા, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, માળખાકીય મરામત અને અન્ય જાળવણીની જરૂરિયાત ઊભી થતી રહે છે.

2019 બાદ સરેરાશ રૂ.26 કરોડથી વધુ ખર્ચ

મળેલી માહિતી પ્રમાણે 2019થી મંત્રીઓના સરકારી આવાસોની મરામત અને જાળવણી પાછળ દર વર્ષે સરેરાશ રૂ.26.78 કરોડ જેટલો ખર્ચ થયો છે. જોકે 2025-26માં આ આંકડો અગાઉના સરેરાશ કરતાં ઘણો વધારે રહ્યો છે.

સરકાર તરફથી ખર્ચ વધવાનું કારણ મોંઘવારી, બાંધકામ સામગ્રીના ભાવમાં વધારો અને જૂના બંગલાઓમાં જરૂરી કામ હોવાનું જણાવવામાં આવે છે. કેટલાક આવાસોમાં મંત્રીઓની જરૂરિયાત પ્રમાણે વધારાનું બાંધકામ અથવા ફેરફાર પણ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

‘શીશમહેલ’ બાદ ફરી VIP બંગલાઓ ચર્ચામાં

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી નિવાસસ્થાનના રિનોવેશનને લઈને થયેલા ‘શીશમહેલ’ વિવાદ બાદ હવે કેન્દ્રીય મંત્રીઓના બંગલાઓ પાછળના કરોડોના ખર્ચે રાજકીય ચર્ચાને ફરી વેગ આપ્યો છે.

જોકે બંને કિસ્સામાં ખર્ચની પ્રકૃતિ અલગ છે. મંત્રીઓના બંગલાઓ માટેના આંકડામાં નિયમિત મરામત, જાળવણી, રિનોવેશન અને અન્ય જરૂરી કામોનો સમાવેશ થાય છે.

વડાપ્રધાનના આવાસનો ખર્ચ સામેલ નથી

આ RTI હેઠળ મળેલા આંકડામાં વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનનો ખર્ચ સામેલ નથી. કેન્દ્રીય મંત્રીમંડળમાં સામાન્ય રીતે 70થી વધુ મંત્રીઓ હોય છે અને તેમના સત્તાવાર આવાસોની જાળવણીનો ખર્ચ આ આંકડામાં દર્શાવવામાં આવ્યો છે.

એક તરફ સરકાર જૂના સરકારી બંગલાઓની જાળવણીને જરૂરી ગણાવી રહી છે, તો બીજી તરફ એક જ વર્ષમાં રૂ.92 કરોડથી વધુના ખર્ચને લઈને સરકારી નાણાંના ઉપયોગ અને VIP આવાસોમાં થતી સુવિધાઓ અંગે સવાલો ઊભા થયા છે.

Leave a Comment

और पढ़ें