દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 30 કલાકમાં 9 ઇંચ સુધી વરસાદ

નવસારી-વલસાડમાં સતત મેઘમહેર યથાવત; રાજ્યના 165 તાલુકામાં વરસાદ, ઉત્તર ગુજરાત હજુ કોરું

ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સતત ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ગઈકાલે દિવસભર વરસ્યા બાદ આજે સવારે પણ અનેક વિસ્તારોમાં વરસાદનો દોર યથાવત રહ્યો હતો. છેલ્લા 30 કલાકમાં નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 9 ઇંચ સુધી વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 165 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો, જ્યારે આજે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીના છ કલાકમાં 65 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વરસાદનું મુખ્ય જોર દક્ષિણ ગુજરાતમાં રહ્યું હતું.

જલાલપોરમાં કુલ 9 ઇંચ, નવસારીમાં 8 ઇંચ, ચીખલી, ગણદેવી, પારડી, વાપી, ધરમપુર અને વલસાડ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લામાં પણ પલસાણા, બારડોલી, માંગરોળ અને શહેર વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો હતો, જ્યારે તાપી જિલ્લામાં પણ સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો હતો.

બીજી તરફ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા, જ્યારે ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો અભાવ રહ્યો હતો.

સરકારી આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 28.78 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 43.36 ટકા વરસાદ થઈ ચૂક્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 30.25 ટકા, મધ્ય ગુજરાતમાં 19.69 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.66 ટકા અને કચ્છમાં માત્ર 3.42 ટકા વરસાદ નોંધાતા પ્રદેશવાર વરસાદની અસમાનતા યથાવત જોવા મળી રહી છે.

Leave a Comment

और पढ़ें