માત્ર 9 દિવસમાં 20 આરોપીઓ ઝડપાયા, 38 ગેરકાયદેસર હથિયારો જપ્ત; મધ્યપ્રદેશથી સંચાલિત નેટવર્કનો ભાંડો ફૂટ્યો
રાજકોટ: રાજકોટ પોલીસની PCB શાખાએ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગેરકાયદેસર હથિયાર સપ્લાય રેકેટનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. સતત ચાલેલા ઓપરેશનમાં માત્ર 9 દિવસમાં 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેમની પાસેથી 38 ગેરકાયદેસર હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સમગ્ર હથિયાર નેટવર્કનું સંચાલન મધ્યપ્રદેશના ધાર જિલ્લાના સકીલ મન્સુરી દ્વારા કરવામાં આવતું હતું. તેના મારફતે ગેરકાયદેસર હથિયારો સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં પહોંચાડવામાં આવતા હતા.
પોલીસ તપાસમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતના વિસ્તારોમાં હથિયારોની સપ્લાય થતી હોવાનું બહાર આવ્યું છે. આ રેકેટ લાંબા સમયથી સક્રિય હોવાનું માનવામાં આવી રહ્યું છે.
PCBએ મુખ્ય સૂત્રધારો સહિતના આરોપીઓની પૂછપરછના આધારે નેટવર્કની અન્ય કડીઓ, હથિયારોના ખરીદદારો અને સપ્લાય ચેઇન સુધી પહોંચવા તપાસ વધુ તેજ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આ કાર્યવાહીથી ગેરકાયદેસર હથિયારોના મોટા નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.








