ડુપ્લિકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ: બામણબોર નજીકથી દારૂ અને આલ્કોહોલિક કેમિકલ ભરેલો ટ્રક ઝડપાયો

3,984 દારૂની બોટલ, 400 લિટર આલ્કોહોલિક કેમિકલ સહિત ₹12.26 લાખનો મુદ્દામાલ જપ્ત; રાજસ્થાનના બે આરોપીઓ ઝડપાયા

રાજકોટ: શહેર પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB)એ બામણબોર ચેકપોસ્ટ નજીક મોટી કાર્યવાહી કરતાં ડુપ્લિકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનથી લાવવામાં આવી રહેલા દારૂ અને આલ્કોહોલિક કેમિકલ ભરેલા ટ્રકને ઝડપી પોલીસે કુલ ₹12.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ મંગાવનાર બુટલેગરોને ઝડપી પાડવા તપાસ તેજ કરવામાં આવી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ PCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર ચેકપોસ્ટ નજીક શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ટ્રકમાં સિરામિક પાવડરની બોરીઓની આડમાં છુપાવેલો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

તપાસ દરમિયાન ટ્રકમાંથી વિવિધ બ્રાન્ડની 3,984 દારૂની બોટલો ઉપરાંત 400 લિટર આલ્કોહોલિક કેમિકલ મળી આવ્યું હતું. પોલીસે દારૂ, કેમિકલ અને ટ્રક સહિત કુલ અંદાજે ₹12.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ કેસમાં પોલીસે રઘુવીરસિંહ રતનસિંહ ચૌહાણ અને ગોકુલસિંહ સંગ્રામસિંહ ચૌહાણ (બંને રહેવાસી રાજસમંદ, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ દારૂનો જથ્થો રાજસ્થાનના એક શખ્સ પાસેથી ભરાવ્યો હોવાનું અને રાજકોટ નજીક ગૌતમ તથા અનિલ નામના શખ્સોને પહોંચાડવાનો હોવાનું કબૂલ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

તપાસમાં વધુ એક મહત્વનો ખુલાસો થયો છે કે ટ્રકમાં મળેલું આલ્કોહોલિક કેમિકલ મોંઘી બ્રાન્ડની દારૂની ખાલી બોટલોમાં ભરીને બજારમાં નકલી દારૂ તરીકે વેચવાની તૈયારી હતી. પોલીસની સમયસરની કાર્યવાહીના કારણે આ કાવતરું અમલમાં આવે તે પહેલાં જ નિષ્ફળ બન્યું હતું.

PCBની ટીમ હવે સમગ્ર નેટવર્ક, દારૂના સપ્લાય ચેઇન, કેમિકલના સ્ત્રોત અને આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય બુટલેગરોની શોધખોળમાં લાગી છે. તપાસ દરમિયાન વધુ ધરપકડ થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें