કચ્છના નલિયા અભયારણ્યમાં દુર્લભ ઘોરાડના બચ્ચાનો સફળ જન્મ, ‘જમ્પ સ્ટાર્ટ’ પ્રોજેક્ટને મોટી સફળતા

કચ્છના નલિયા અભયારણ્યમાંથી વન્યજીવ સંરક્ષણ માટે ખુશખબર સામે આવી છે. વિશ્વના અતિ દુર્લભ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ (ઘોરાડ)ના બચ્ચાનો સફળ જન્મ થતાં ‘જમ્પ સ્ટાર્ટ’ પ્રોજેક્ટને મોટી સફળતા મળી છે.

મળતી માહિતી મુજબ, રાજસ્થાનથી લાવવામાં આવેલા ઘોરાડના ઈંડામાંથી 21 મેના રોજ બચ્ચાનો સફળ જન્મ થયો હતો. હાલમાં આ બાળ ઘોરાડે સફળતાપૂર્વક 50 દિવસ પૂર્ણ કર્યા છે અને તેનું સ્વાસ્થ્ય પણ સારું હોવાનું વન વિભાગે જણાવ્યું છે.

દુર્લભ પ્રજાતિના સંરક્ષણને ધ્યાનમાં રાખીને વનકર્મીઓ દ્વારા બાળ ઘોરાડની 24 કલાક સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. CCTV કેમેરા અને બાયનોક્યુલરની મદદથી તેના દરેક હલનચલન પર નજર રાખવામાં આવે છે, જેથી કોઈ પણ પ્રકારનું જોખમ ઉભું ન થાય.

‘જમ્પ સ્ટાર્ટ’ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ લુપ્ત થવાના આરે પહોંચેલી ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ પ્રજાતિના સંવર્ધન અને સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. આ સફળતા વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે આગામી સમયમાં પણ આ પ્રજાતિના સંરક્ષણ માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને સતત મોનિટરિંગ દ્વારા પ્રયાસો ચાલુ રાખવામાં આવશે.

Leave a Comment

और पढ़ें