વિસ્ફોટકો નિષ્ક્રિય કરાતા મોટી દુર્ઘટના ટળી : એરપોર્ટ બે દિવસ માટે બંધ
નેપ્પુડો: મ્યાનમારના અત્યંત વ્યસ્ત આંતરરાષ્ટ્રીય વિમાની મથકને છ આત્મઘાતી ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. હુમલા બાદ સુરક્ષાના કારણોસર વિમાની મથકને બે દિવસ માટે બંધ કરવાની ફરજ પડી છે.
મળતી માહિતી મુજબ, છ ડ્રોન દ્વારા એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, ડ્રોનમાં રહેલા વિસ્ફોટકોને સમયસર નિષ્ક્રિય કરી દેવામાં આવતા કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું ન હતું.
મ્યાનમારમાં સૈન્ય સમર્થિત સરકાર અને વિરોધી જૂથો વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. તાજેતરમાં સરકાર પર વિરોધીઓ સામે ડ્રોન હુમલાનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વિમાની મથકને છ આત્મઘાતી ડ્રોનથી નિશાન બનાવવામાં આવતાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.
પ્રાથમિક માહિતી મુજબ, આ હુમલા પાછળ મ્યાનમારના સરકારવિરોધી વિદ્રોહી સંગઠનનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હુમલા બાદ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.








